બાળકોએ પ્રાણીઓ સાથે શરત લગાવી

in #gujarati5 years ago

મોનુ અને એના મિત્રોએ એક વાર ગામમાં રહેતા કેટલાક પ્રાણીઓ સાથે શરત લગાવી. મોનુનો એક દોસ્ત ભોલુ હટ્ટોકટ્ટો છે. ભોલુ બધા જ બાળકો કરતાં વધારે ખાઈ શકે છે. ભોલુ જમવા બેસે ત્યારે એની મમ્મીએ એને વારંવાર પીરસવું પડે અને ટોકવો પણ પડે કે ભાઈ બહુ ખાધું, હવે ઉભો થઇ જા નહીંતર માંદો પડી જઈશ.

બાળકોએ ગાય અને ઘેંટા સાથે કોણ વધુ ખાઈ શકે એવી શરત લગાવી. ગાય અને ઘેંટાને તો હોજરીમાં ચાર ખાના હોય છે એટલે તેઓ તો ઘણું ખાવાનું પચાવી શકે. વળી માણસને તો એક વાર ખાય પછી એ પચાવતાં ૧૨ કલાક થાય. આથી ગાય અને ઘેંટા સાથે ખાવાની શરત બાળકો હારી ગયા.

પછી ઘોડા સાથે શરત લગાવી કે કોણ વધારે સમય ઉભા રહી શકે. બાળકો તો થોડા કલાક ઉભા રહીને થાકી ગયા. પણ ઘોડો તો લાંબો સમય ઉભો રહી શકે. એ તો ઉભા ઉભા જ સૂઈ જાય!

એક વાર મોનુ આફ્રિકાના જંગલ - આફ્રિકન સફારી જોવા ગયો. ત્યાં અલમસ્ત હિપ્પોપોટેમસને જોઈને ખુબ હસ્યો. હિપ્પો કહે કે હસ નહિ. મારામાં તારા કરતાં વધારે સ્ફૂર્તિ છે. ચાલ, દોડવાની શરત લગાવીએ. મોનુને એમ કે આવા જાડિયા હિપ્પોને તો સહેલાઇથી હરાવી શકાશે. હિપ્પો ભલે જાડિયો હોય પણ માણસ કરતાં વધારે ઝડપથી દોડી શકે છે. મોનુ હિપ્પો સાથે દોડવાની શરત હારી ગયો!

એક વાર ગામના નાના બાળકો ગાય, ભેંસ પાસે ઉભા ઉભા રંગ ઓળખવાની રમત રમતા હતા. બાળકોએ જાણ્યું કે ગાય, ભેંસ તો લાલ, લીલા રંગ ઓળખી શકતા નથી. બાળકોએ નક્કી કર્યું કે હવેથી પ્લાસ્ટિકની કોથળીઓ રસ્તા પર ન ફેંકવી. ગાય,ભેંસ રંગ ઓળખી ન શકે એટલે કોથળીઓને ખાવાનો ખોરાક સમજીને ખાય અને પછી પચાવી ન શકે. આપણને કોઈ આવું ખવરાવી દે તો?